મિત્ર – માણસ નો મુકામ

સામાન્ય

મિત્ર-મૈત્રી એક મોંઘી મિરાત. યાર, દોસ્તો, મિત્રો ને સલામ. માણસ નું સરનામું : મુકામ પોસ્ટ મૈત્રી. ‘માણસ પોતાના થી દૂર જઈને બહુ બહુ તો ટોળે વળી શકે’ આવી કંઇક પંકિતમાં આ ‘ટોળું’ મિત્રોનું જ અભિપ્રેત હશે! ભલે એમ કહેવાતું હશે કે મિત્રો ના ટોળા ન હોય પણ બે મિત્રો મળ્યા એટલે મહેફિલ તો ખરી જ! સાવ સાદુ ફિલ્મી ગીત લઈએ તો ‘પતા કોઇ પૂછે તો કહતે હૈં હમ, કિ એક દુસરે કે દિલ મેં રહતે હૈ હમ’.

નથી માનવી થી કંઇ અદકેરું એટલે માનવ ને સંગાથમાં માનવ જ જોઇએ! સગા-સબંધી  પછીના સ્થાને મિત્ર આવે. સ્વજન ના મૃત્યુ પછી સેલફોનના કોલ રજીસ્ટરમાં સહુથી પહેલું નામ એ મિત્ર. એક લાંબી માંદગી, બે-ત્રણ તબીબો બદલાવ્યા પછી પણ પત્તો ન ખાય. તમારી વધુ એક નિરસ સવાર અને આંગણામાં એક સ્કુટર પાર્ક થાય તમે એની સાથે એક વૈદ્ય ની મુલાકાત લો અને જીંદગીભર માટે એ રોગથી મુક્ત થઈ જાવ. એ ઘટના તે મૈત્રી અને ઘટાવે તે મિત્ર.

કોંકણ રેલ્વે ની મુસાફરી ની જેમ જીંદગીમાં સતત બુગદા આવતા હોય અને દરેક બુગદાની અંતે રેલાતો પ્રકાશ તે મિત્ર. મૈત્રી એમ તો દિવસ ની મોહતાજ નથી, સતત ઉજવાતું પર્વ છે. હા, એ દિવસે મિત્ર નો અને એની મૈત્રીનો આભાર જરુર માનવો જોઇએ. બહુ જ ચિલાચાલુ વાક્ય ‘ફ્રેન્ડશીપ મેં નો થેન્ક યુ નો સોરી’ થી આ વિરુધ્ધ લાગશે. આભાર ને એક ક્રેડીટ આપવા તરીકે લેશો તો જ ભાવાર્થ સુધી પંહોચાશે. આભાર એ ‘કાયનાત’ નો જેણે તમને મળાવ્યા, તમે ‘કારણવગરના’ આ ભરપૂર સબંધમાં છો એનો આભાર.

મૈત્રી ને પામવાની હોય માપવાની નહિં. મૈત્રી ને માપવામાં માણવાની રહી જાય. મહાભારત માં ભારોભાર મૈત્રી મહિમા છે જ. આ ગ્રંથ ને કર્ણ-દૂર્યોધન, અર્જુન-કૃષ્ણ, દ્રૌપદી-કૃષ્ણ જેવા મૈત્રી સબંધો નું મહિમા ગાન જ કહી શકાય. દરેક માનવ સબંધના પાયા માં મૈત્રી હોય તો જે તે સબંધ મધુરો જ રહે અધુરો નહિં. અને ‘અધુરા તોય મધુરા’ તે મિત્ર.

મૈત્રી ને આધુનિક અંદાજ માં કહીએ તો લાઈફ ટાઇમ વેલીડીટી વાળું સીમ છે, કોઇ રી-ચાર્જ નહિં, મળો એટલે ટોપ અપ થઈ જ જાય! એક એવું ૨૪ કલાક ચાલતું કસ્ટમર કેર સેન્ટર જે તમારી જાણ બહાર તમારી કેર કરે! જ્યાં તમે કોઇ ‘ફુદડી’(કન્ડીશન) વગર તમે તમારું હાસ્ય, રુદન, કારણવગરના ગપાટા એઇ. . .  ને હંધુય ઠાલવી શકોએ જગ્યા એટલે મૈત્રી.

સામાન્ય રીતે પ્રેમ ને મૈત્રી થી દૂર રાખીએ છીએ – ત્યાં જ વાંધા આવે છે! પ્રેમ સબંધો ના પાયામાં તો  મૈત્રી જ છે. તમે સારા મિત્ર બની શકો તો સારા પ્રેમી, સારા પતિ/પત્ની સહેલાઇ થી બની શકો. મિત્ર નો ખભો એટલે સંપૂર્ણતાનો મુકામ. તમે મિત્ર બની શકો છો – તમે માણસ છો.

Advertisements

મૈત્રી દિવસે મિત્રને પત્ર લખ્યો, પછી અહિં ઉમેરવાની ઇચ્છા થઈ, અલબત્ત જેને લખેલો તેણે હા પાડી પછી.

સામાન્ય

મિત્ર ને. . મૈત્રી દિવસે.

હમણાં જ ક્યાંક વાંચ્યુ, `you complete me’ એમ તો જીવનસાથીના સંદર્ભે વપરાયેલું બહુ જ ગમ્યું. સાથે જ એક ગુજરાતી નાટકનું નામ યાદ આવ્યું: અધુરા તોય મધુરા. આ બન્ને ને સાથે રાખીએ તો જે યાદ આવે તે તું. ભલે ઔપચારિક ગણાતું હોય તો ય આજે આભાર માની લઉં અને માફી માગી લઉં. બન્ને સાથે જ એક શ્વાસે. ભલે એમ કહેવાતું હોય કે દોસ્તી માં આવું ન હોય. આભાર તારા હોવાનો, અને માફી ક્યારેક ક્યાંક ઠેસ પંહોચી હોય તો.

મોંઘી મિરાત એવી આ મૈત્રીને માપવાની ન હોય તો ય તેં ક્ષિતિજનું અનંતપણું તો આપ્યું જ છે. અને સાથે જ આ લીલુડી ધરતીની માફક સર્વત્ર ફેલાયેલી મૈત્રીને નવો આયામ પણ આપ્યો છે. આ મૈત્રી આપણા જીવન પ્રવાસની સાક્ષિ છે-સાથી છે. તેં પરિક્ષા પણ લીધી છે અને પાસ પણ કર્યો છે.(હા કે ના!) કદાચ આ જ મૈત્રી છે – સતત તપતી-તવાતી સત્યના તાપણા માં, સાપેક્ષતાની અગ્નિમાં. પણ દર વખતે વધારે સમજદાર બની, વધુ પુખ્ત બની ને નીખરી જ છે. એક વાક્ય વાંચ્યુ, ગમ્યું :

While we try to teach our children 
all about life, our children teach 
us what life is all about.

મૈત્રીના સંદર્ભે પણ કંઇક આવું જ છે. આપણે જીવન અંગે બધું સમજવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જ દોસ્તીએ બતાવ્યું કે આ જીવન શું છે!

તારી સહજતા જીવનને ઓળખવાની દિશા આપે છે. તારી સહજતાને જાળવજે.

વધારે નથી લખતો. . તું જ દોસ્તી છે, અને એ જ જીંદગીની મસ્તી છે.