મિત્ર – માણસ નો મુકામ

સામાન્ય

મિત્ર-મૈત્રી એક મોંઘી મિરાત. યાર, દોસ્તો, મિત્રો ને સલામ. માણસ નું સરનામું : મુકામ પોસ્ટ મૈત્રી. ‘માણસ પોતાના થી દૂર જઈને બહુ બહુ તો ટોળે વળી શકે’ આવી કંઇક પંકિતમાં આ ‘ટોળું’ મિત્રોનું જ અભિપ્રેત હશે! ભલે એમ કહેવાતું હશે કે મિત્રો ના ટોળા ન હોય પણ બે મિત્રો મળ્યા એટલે મહેફિલ તો ખરી જ! સાવ સાદુ ફિલ્મી ગીત લઈએ તો ‘પતા કોઇ પૂછે તો કહતે હૈં હમ, કિ એક દુસરે કે દિલ મેં રહતે હૈ હમ’.

નથી માનવી થી કંઇ અદકેરું એટલે માનવ ને સંગાથમાં માનવ જ જોઇએ! સગા-સબંધી  પછીના સ્થાને મિત્ર આવે. સ્વજન ના મૃત્યુ પછી સેલફોનના કોલ રજીસ્ટરમાં સહુથી પહેલું નામ એ મિત્ર. એક લાંબી માંદગી, બે-ત્રણ તબીબો બદલાવ્યા પછી પણ પત્તો ન ખાય. તમારી વધુ એક નિરસ સવાર અને આંગણામાં એક સ્કુટર પાર્ક થાય તમે એની સાથે એક વૈદ્ય ની મુલાકાત લો અને જીંદગીભર માટે એ રોગથી મુક્ત થઈ જાવ. એ ઘટના તે મૈત્રી અને ઘટાવે તે મિત્ર.

કોંકણ રેલ્વે ની મુસાફરી ની જેમ જીંદગીમાં સતત બુગદા આવતા હોય અને દરેક બુગદાની અંતે રેલાતો પ્રકાશ તે મિત્ર. મૈત્રી એમ તો દિવસ ની મોહતાજ નથી, સતત ઉજવાતું પર્વ છે. હા, એ દિવસે મિત્ર નો અને એની મૈત્રીનો આભાર જરુર માનવો જોઇએ. બહુ જ ચિલાચાલુ વાક્ય ‘ફ્રેન્ડશીપ મેં નો થેન્ક યુ નો સોરી’ થી આ વિરુધ્ધ લાગશે. આભાર ને એક ક્રેડીટ આપવા તરીકે લેશો તો જ ભાવાર્થ સુધી પંહોચાશે. આભાર એ ‘કાયનાત’ નો જેણે તમને મળાવ્યા, તમે ‘કારણવગરના’ આ ભરપૂર સબંધમાં છો એનો આભાર.

મૈત્રી ને પામવાની હોય માપવાની નહિં. મૈત્રી ને માપવામાં માણવાની રહી જાય. મહાભારત માં ભારોભાર મૈત્રી મહિમા છે જ. આ ગ્રંથ ને કર્ણ-દૂર્યોધન, અર્જુન-કૃષ્ણ, દ્રૌપદી-કૃષ્ણ જેવા મૈત્રી સબંધો નું મહિમા ગાન જ કહી શકાય. દરેક માનવ સબંધના પાયા માં મૈત્રી હોય તો જે તે સબંધ મધુરો જ રહે અધુરો નહિં. અને ‘અધુરા તોય મધુરા’ તે મિત્ર.

મૈત્રી ને આધુનિક અંદાજ માં કહીએ તો લાઈફ ટાઇમ વેલીડીટી વાળું સીમ છે, કોઇ રી-ચાર્જ નહિં, મળો એટલે ટોપ અપ થઈ જ જાય! એક એવું ૨૪ કલાક ચાલતું કસ્ટમર કેર સેન્ટર જે તમારી જાણ બહાર તમારી કેર કરે! જ્યાં તમે કોઇ ‘ફુદડી’(કન્ડીશન) વગર તમે તમારું હાસ્ય, રુદન, કારણવગરના ગપાટા એઇ. . .  ને હંધુય ઠાલવી શકોએ જગ્યા એટલે મૈત્રી.

સામાન્ય રીતે પ્રેમ ને મૈત્રી થી દૂર રાખીએ છીએ – ત્યાં જ વાંધા આવે છે! પ્રેમ સબંધો ના પાયામાં તો  મૈત્રી જ છે. તમે સારા મિત્ર બની શકો તો સારા પ્રેમી, સારા પતિ/પત્ની સહેલાઇ થી બની શકો. મિત્ર નો ખભો એટલે સંપૂર્ણતાનો મુકામ. તમે મિત્ર બની શકો છો – તમે માણસ છો.

Advertisements

મૈત્રી દિવસે મિત્રને પત્ર લખ્યો, પછી અહિં ઉમેરવાની ઇચ્છા થઈ, અલબત્ત જેને લખેલો તેણે હા પાડી પછી.

સામાન્ય

મિત્ર ને. . મૈત્રી દિવસે.

હમણાં જ ક્યાંક વાંચ્યુ, `you complete me’ એમ તો જીવનસાથીના સંદર્ભે વપરાયેલું બહુ જ ગમ્યું. સાથે જ એક ગુજરાતી નાટકનું નામ યાદ આવ્યું: અધુરા તોય મધુરા. આ બન્ને ને સાથે રાખીએ તો જે યાદ આવે તે તું. ભલે ઔપચારિક ગણાતું હોય તો ય આજે આભાર માની લઉં અને માફી માગી લઉં. બન્ને સાથે જ એક શ્વાસે. ભલે એમ કહેવાતું હોય કે દોસ્તી માં આવું ન હોય. આભાર તારા હોવાનો, અને માફી ક્યારેક ક્યાંક ઠેસ પંહોચી હોય તો.

મોંઘી મિરાત એવી આ મૈત્રીને માપવાની ન હોય તો ય તેં ક્ષિતિજનું અનંતપણું તો આપ્યું જ છે. અને સાથે જ આ લીલુડી ધરતીની માફક સર્વત્ર ફેલાયેલી મૈત્રીને નવો આયામ પણ આપ્યો છે. આ મૈત્રી આપણા જીવન પ્રવાસની સાક્ષિ છે-સાથી છે. તેં પરિક્ષા પણ લીધી છે અને પાસ પણ કર્યો છે.(હા કે ના!) કદાચ આ જ મૈત્રી છે – સતત તપતી-તવાતી સત્યના તાપણા માં, સાપેક્ષતાની અગ્નિમાં. પણ દર વખતે વધારે સમજદાર બની, વધુ પુખ્ત બની ને નીખરી જ છે. એક વાક્ય વાંચ્યુ, ગમ્યું :

While we try to teach our children 
all about life, our children teach 
us what life is all about.

મૈત્રીના સંદર્ભે પણ કંઇક આવું જ છે. આપણે જીવન અંગે બધું સમજવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જ દોસ્તીએ બતાવ્યું કે આ જીવન શું છે!

તારી સહજતા જીવનને ઓળખવાની દિશા આપે છે. તારી સહજતાને જાળવજે.

વધારે નથી લખતો. . તું જ દોસ્તી છે, અને એ જ જીંદગીની મસ્તી છે.

રીંગટોન

સામાન્ય

મોબાઈલ-સેલફોન ના વધેલા ચલણ સાથે રીંગટોન નું નવું સામ્રાજ્ય પણ વિસ્તર્યુ. જે તે ગીત કે ટ્યુન ને રીંગટોન તરીકે વાપરવાના વિતરણના હક્કો પણ વેચાય છે. નગરમાં નુક્કડ પર એક જમાનામાં એસ.ટી.ડી. પી.સી.ઓ. નું સ્થાન હતું તે હવે મોબાઇલ ડાઉનલોડ ની હાટડીનું થઈ ગયું છે. આપણા સદભાગ્યે જાહેર સ્થળો એ મોબાઇલ સાઇલન્ટ કે વાઇબ્રેશન પર રાખવાનું ચલણ ન હોવાના કારણે રીંગટોન વૈવિધ્ય સતત કર્ણપટલ પર અથડાતું રહે છે.

રીંગટોન માં વિવિધ ગીતો, વાંજિત્રોના અવાજો ની સાથે એક નવો પ્રકાર ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે, એ છે કુદરતી લાગતા અવાજો! પક્ષીના ટહુકા, વહેતા પાણી નો ખળખળ અવાજ.  આ ‘કુદરતી’ રીંગટોન કાન ને ગમે તો છે પણ સાથે એક વિરોધાભાસ પણ ઉભરે છે. આ જ મોબાઇલ ના ટ્રાન્સમીશન ટાવરના કારણે પક્ષીઓ દૂર જતા હોવાનું કહેવાય છે. વધતા શહેરીકરણ થી એમ પણ પક્ષીઓ અને એના અવાજો દૂર થઈ ગયા છે. ખળખળ ઝરણા નો અવાજ હવે ડાંગમાં પણ માત્ર ચોમાસામાં એકાદ-બે મહિના સંભળાય છે ત્યારે આપણે તો તાપી ને સતત પ્રદુષિત કરવામાં પ્રવૃત્ત છીએ.

‘કુદરતી’ રીંગટોન રાખી ને આપણી કુદરત સાથે જોડાયેલા રહેવાની ઝંખના પુરી કરતા હોઇએ એવો આભાસ સર્જાય છે! રીંગટોન મા કુદરત ને ગમાડીએ એના કરતાં એને જ સાચવીએ તો! પર્યાવરણ સાથે રમત કરવામાં વ્યસ્ત આપણે રીંગટોન માં ‘પર્યાવરણ મિત્ર’ બનીએ છીએ. આ વિરોધાભાસ એક વિટંબણા છે કે પશ્ચાતાપ?

દોસ્તી – મિત્ર

સામાન્ય

સ્ટાફ બસ રોબોટથી ચાલતી હોય તેમ રોજના રસ્તા પર જાય છે, હું ચારેય બાજુ પથરાયેલો લીલાડો માણી રહ્યો છું. થોડી મિનિટ પછી ઉતરી જવાનું હોય છે – એજ સપાટ ચહેરાઓ – થોડો દંભ કરવાનો –  ઘણો બધો સહન કરવાનો –  સાક્ષિ બનવાનું –  થોડાક નિર્દંભ ને મળીને અથવા ફોન કરી ને રણદ્વીપ અનુભવવાનો. .. . આજ રોજનીશી. આજે ડ્રાઇવરે એક ગુજરાતી ગીત લગાવ્યું! મનહર ઉધાસ ગાતો હતો, ‘નયન ને બંધ રાખી ને જ્યારે તમને જોયા છે.. . ’મને આ ગીત ગમે છે. એક જમાનામાં કેસેટ બહાર પડતાની સાથે જ ખરીદી છે. વ્યસ્ત રોજીંદી જીંદગી માં ઢબુરાઈ ગયેલું ગીત સાંભળી ને સારું લાગ્યું. હું ખુલ્લી આંખે જોયેલા – રોળાયેલા – પામેલા સ્વપ્નોને યાદ કરતો રહ્યો. બહાર દ્ર્શ્યો બદલાતા રહ્યા. મારી પ્રિય ઋતુ પર નિબંધ લખવાનું મન થાય તેવું વાતાવરણ. બસ અને હું બન્ને પોતાની મંઝિલ પર પંહોચી ગયા. સવાર ની ગોખાયેલી ચહલ પહલ પછી નો ઠેહરાવ. સમય પસાર કરવા એક સામાયિક નો મૈત્રી વિશેષાંક હાથમાં લીધો. લેખકોમાં થોડા જાણીતા ની સાથે અજાણ્યા નામો પણ દેખાયા, એક અજાણ્યા નામ સાથેના ટુંકા લખાણ પર ધ્યાન ગયું. દોસ્તી ની સંધિ છુટી પાડી ને સરસ રીતે અર્થ પકડ્યો હતો.

દોસ્તી = દો + હસ્તી : બે હસ્તી(identity) – ઓળખ એક થાય અને દોસ્તી થાય! ગમ્યું.

ત્યાં બીજો અર્થ પણ આવ્યો, વધારે ગમ્યો,

દોસ્તી = દો + અસ્તી : દો – બન્ને ની ઓળખનો અસ્ત અને એક નવી પહેચાન! વધારે ગમ્યું. સ્વાભાવિક જ ફિલસુફાના અંદાજ હતો વાત ને બહેલાવાનો. લખાણ મૈત્રી અંગે વિચારવા મજબૂર કરી ગયું.પ્રેમ નો મહિમા અઢી અક્ષર ના નામ થી ઘણો થયો, મૈત્રી પણ અઢી અક્ષર જ. દરિયાના ખારા પટ પર ફુલ ખીલાવે તે મૈત્રી. મૈત્રી એક હુંફાળો આશ્લેષ છે. પણ હા, હું જરા ધીમો છું, સંબંધ ન બાંધવો એ ફિતરત છે, લંગોટીયા કહેવાય એવા મિત્રો ની સંખ્યા નગણ્ય. પણ જ્યારથી મૈત્રી ને પામી છે ત્યારથી હું એક પ્રયત્ન તો કરું જ છું – સારા મિત્ર બનવાનો. અત્યારે હું જે કંઇ છું તે મિત્રના કારણે છું તે નક્કી. દોસ્તી-friendship-મૈત્રી ને મેં સમજી ને પામી લીધી છે એવું પણ સાવ નથી. નાના હોઇએ ત્યારે મા-બાપ ની આંગળી પકડી ને ચાલતા તે અવલંબન નહોતું એ હાથ એક માર્ગદર્શક-પથદર્શક નો હતો. તેવું જ મૈત્રીનું છે. અજાણતા જ મૈત્રી નો હાથ પકડી ને જીંદગી ની વૈતરણિ પાર કરવા નો પ્રયત્ન કરીએ છીએ. કૃષ્ણ-સુદામાની વાતો વાંચેલી, કોઇ સારા કથાકારે કૃષ્ણ- દ્રૌપદી ના સંબંધ ને અલગ સ્વરુપે રજુ કરી ને એક નવો આયામ મુકેલો ત્યારે હું એના થી અજાણ હતો. હવે એ અનુભવ્યો છે. જીવનના પચ્ચીસ વર્ષ સુધી અછુતો રહેલો એ આયામ સહજ પ્રાપ્ત થયો તે મારું સદભાગ્ય! વિજાતીય મૈત્રીમાં રાધા-કૃષ્ણ કરતાં કૃષ્ણ – દ્રૌપદી વધારે વાસ્તવિક લાગે. ‘ધરમના ભાઈ-બહેન’ એવો દંભ સહજ રીતે થતો હોય ત્યારે કૃષ્ણ-દ્રૌપદી ને વધારે ગંભીર રીતે સમજવા પડે. દોસ્તાના તાલ્લુકાત એક મઝહબ થી પણ વધારે છે. ધંધાકીય કામકાજ દરમ્યાન થયેલા પરિચય ને મૈત્રીનું નામ આપી ને કામ કઢાવી લેવું વધારે માફક આવે છે. મૈત્રીમાં અહમ ઓગળતો રહે તો જ મઝા છે! પળેપળ થતાં આહલાદક અનુભવો ને માણવાના. સતત થતી ટેલીપથી લગભગ ચમત્કાર લાગવા માંડે. એમ તો મૈત્રી કોઇ વિશેષણ ની મોહતાજ નથી પણ સાચી-સહજ મૈત્રીના ઘણા ઉદાહરણો જોવા – જાણવા મળતા રહે છે. એક જાણીતા વાક્ય ને લંબાવવાનું મન થાય છે : ‘ઇશ્વર થી બધે પંહોચાતું નથી એટલે મા નું સર્જન કયું’ પછી આગળ ઉમેરીએ – ‘મા થી બધે પંહોચાતું નથી એટલે મિત્ર બનાવ્યો!’  રોજે રોજ ની હાડમારી માં ક્યારેક એ સાથ મળી જાય તો બસ. દુ:ખમાં થી બહાર આવવા મિત્ર જેટલો જરુરી તેથી ય વધુ સુખ ની પળો સાથે માણવા જરુરી. ખેતર ના ઝાડ પર બેઠેલો કિંગફીશર જોઇને, સારી કવિતા કે લેખ વાંચીને, . . . કે પછી એમ જ યાદ આવે તે મિત્ર.

મિત્ર માટે લંગોટીયા યાર વધારે પ્રચલિત છે પણ મોટા થયા પછી, પરિચય પછી પાંગરે તે મૈત્રી કદાચ વધારે ટકે છે. મૈત્રી જેન્ડર ની ઔપચારિકતા ને વળોટી જાય છે. દાંમ્પત્ય જીવનમાં પણ પરસ્પર મૈત્રી જ તો પાયો છે.  મિત્ર રોજ મળવો જોઇએ? હા અને ના! એમ તો સાથે જ હોય છે ને! હકિકતમાં નહિં તો ભાવવિશ્વમાં. અન્ય ઘણી બાબતો ની જેમ મૈત્રી ને પણ જમાનાની હવા લાગી હોય એવું ક્યારેક લાગે, પરંતુ એમ હવા જોઇને રુખ બદલે તે મૈત્રી નહિં.

 

વરસાદ વિરહ અને. . . .

સામાન્ય

અમારા વિસ્તારમાં વરસાદ ઓછો છે. રાહ જોવાતા લખાયેલું કંઇક.

ચોમાસું બેઠું અને બેસતા પહેલા જ ઉઠવાની તૈયારી કરે છે. ગુજરાતના ચેરાપુંજી કહેવાતું ડાંગ સુનું છે. છુટક વરસાદથી લીલાડો છે પણ વહેતા ઝરણા, નવું પાણી અને ધોધ સુના છે. વરસાદમાં વિરહ વધુ બોલકો થાય પણ આ વખતનો વરસાદ ડાહ્યો છે. વરસાદ નો જ વિરહ લાગે છે! વરસાદ પ્રિય પાત્રના વિરહ જેવો થઈ ગયો છે. બન્ને વિરહ સરખા કનડે છે. આ વરહાદ, મેવલીયો આવે તો હારુ એમ થાય. વાદળ થી નિકળેલી બુંદ ત્વચાને હેરાન કરે તે પહેલા તો ક્યાંક ખોવાઇ જાય છે.  કાલે મેઘા, કાલે મેઘા. . .ગાયા કરવાનું. વર્તમાનપત્રોમાં અને સામાયિકો માં લેખકો જુદા જુદા કારણો આપી ને ચોમાસાનું વિજ્ઞાન સમજાવે તે ડાહ્યા થઈ ને સમજ્યા કરવાનું. હ્રુદયાની ભીતર જલતો માંહ્યલો કોણ ઠારશે?

વિચિત્રતા એ છે કે આ લખાણ અમુક વિસ્તાર ને બેબુનિયાદ લાગશે! ત્યાં તો તડામાર પડ્યો જ છે! મારો વાલીડો વરસાદ પણ વિસ્તારવાદ ભડકાવે છે! જ્યાં પડ્યો છે ત્યાં ભલે ‘ઉની ઉની રોટ્લી ને કારેલાનું શાક’ ખવાતા! હું તો કોરો કટ્ટાક છું – ભીનો થવા આતુર. આ ધરતી પણ કોરી છે – તડપે છે એને પણ ભીંજાતી જોવી છે.

કબ તક યું ખામોશ રહે ઔર સહે હમ. . . . .

એ. . . ઇ. . . તુટી પડ ને. . . . ..વા’લુડા વરસાદ, તરબતર કરી દે.


કહેર. .

સામાન્ય

૧૯૭૧ થી લગભગ ૧૯૯૦ સુધી જેને શ્વસેલું તે સુરત જિલ્લાના(હવે તાપી જીલ્લો) વાલોડ તાલુકાનું એક નાનું ગામ કહેર પણ રેલ્વે સ્ટેશન ખરું . સિંગલ લાઇન, દિવસના ત્રણ ટ્રેન સુરત તરફથી આવે અને ત્રણ જાય(ઉભી રહે). એ જગ્યા અને અહેસાસો યાદ આવ્યા અને આ પોસ્ટ.

હું બસમાં છું, અંદર કુમાર શાનુના ગીત વાગે છે.. . . અશોક લેલેન્ડની બસ એના ટીપીકલ અવાજ સાથે આગળ વધે છે. . . ડ્રાઇવર કારણ વગરની ઉતાવળ સાથે એને પૂરપાટ ભગાવે છે. . જાણીતા પરીસરો, દ્ર્શ્યો બદલાતા રહે છે. . .સહેજ તૂટેલા પૂલ પર ધીમી પડેલી બસમાંથી બહાર જોવાઇ જાય છે અને નેશનલ હાઈ વે નં-૬ પર એક ગામના નામનું પાટીયું દેખાય છે – કહેર! અંદર થી તડપ ઉઠે છે.. . વિહવળ થઈ જવાય છે. કહેર નામ નથી એક ઘટના છે. તમારો પહેલો પ્રેમ – કહેર. તાપ્તી લાઇન પરનું એક રેલ્વે સ્ટેશન – કહેર. પીળા પાટીયા પર ત્રણ ભાષામાં લખાયેલું નામ – કહેર!  મારા કેટકેટલા પ્રસંગોનું સાક્ષી છે આ કહેર. એમ તો એક ગામ છે અને રેલ્વે સ્ટેશન પણ. મારું પ્રાથમિક શિક્ષણ પણ અહિં ની પ્રાથમિક શાળામાં જ થયું. ટ્રેનના અવાજો ત્યારે અમારા માટે ઘડિયાળ હતા. સ્ટેશન ને અડિને જ ફાટ્ક પછી બન્ને તરફ વિસ્તરેલી સિધી સડક. ફાટક ખૂલ્લી જ હતી, દરવાજા બહુ મોડા આવ્યા. ટ્રેન ઉભી રહે એટલે રસ્તો જાતે જ બંધ થઈ જાય. કોઇ સિગ્નલ નહીં. બાજુમાં જ સ્ટેશન માસ્તરનું કવાર્ટર. સમજણા થયા ત્યારે આવી નોકરી સારી એવું થયેલું.

બળદેવ વળવી સમય થાય એટલે ધીમી કંટાળાજનક ચાલે એની ઓફીસ તરફ જવા નીકળે. પ્લેટફોર્મના નામે સપાટ જમીન જ વળી. લગભગ ખૂણા પર એક મકાન, જેમાં સ્ટેશન માસ્તરની ઓફીસ, ટિકિટ બારી, થોડી બેસવાની જગ્યા. આખા પ્લેટફોર્મ પર પાંચેક વૃક્ષો, જેના ઓટ્લા વેઇટીંગ રુમ ની ગરજ સારે. પોર્ટર કમ મદદનીશ નામદેવ ઓફીસની બહાર સાહેબના આવવાની રાહ જોતો હોય. સવારે ૭૫ ડાઉન માટે વધારે પેસેંજર ન આવતા. આળસ ચઢે તે પહેલા ટ્રેન આવી જાય. નામદેવ લાલ-લીલી ઝંડી ફરકાવે અને દોઢ-બે મિનિટમાં ખેલ પૂરો થાય. વળી ૭૮ અપની રાહ જોવાની. પેસેન્જર આવવા માંડે. પીળી કાર્ડ ટિકીટ માં તારીખ પંચ થાય, સમય મળે એટલે માસ્તર ટેલીફોન (રેલ્વેનો જ વળી) કાને લગાડે અને બૂમો પાડે ‘ક. . . . હે.. . . ર’, ક્યારેક નસીબ હોય તો કેટલી મોડી છે તે ખબર પડે બાકી બીજાની વાતો સંભળાય તે પરથી અંદાજ લગાવી બહાર પાટીયા પર ૩૦-૪૦ મિનિટના અક્ષરો પાડે. ચાલુ દિવસ હોય તો મારી રાહ જુવે, હું પંહોચુ એટલે પુછે, ‘મઢી વાળા હું કે છે?’ (બાજુનું સ્ટેશન જયાં ફોન હતો – મારા ઘરે પણ એટલે હું પૂછી ને નીકળું) બાકીનો સમય રેલ્વે સત્તાવાળાની કાર્યક્ષમતા પર ચર્ચા કરવામાં જાય ત્યાં નામદેવ ટ્રેન આવવાની જાહેરાત કરે. ફરી થોડી ચહલ પહલ અને લાં. . . બી . . .શાંતિ, કારણ કે હવે પછી ની ટ્રેન સાંજે જ! બલદેવ એની ઓફિસમાં એકલો પડે. બ્રિટીશરો ના સમય ની ઘડીયાળ, એવરીનો વજન કાંટો, લાકડાનું ભારેખમ ફર્નીચર, તિજોરી, કાર્ડ ટીકીટ નો કબાટ, પંચ કરવાનું મશીન. . ત્યાં સવિતાબેન આવીને કહે, “સાહેબ, મેં જામ(હું જાંઉ).” નામદેવ કયારનો છુ થઈ ગયો હોય. વળવી સાહેબ થોડી કાગઝી કાર્યવાહી કરી ફરી પોતાના ક્વાર્ટર તરફ.

આ જ ગાડીઓમાં ટપાલ આવતી – જતી. RMS ના લાલ ડબ્બામાં થી ઝડપથી થેલા ફેંકાય અને ટપાલી ઉઠાવે, ક્યારેક તમે પણ એને પોસ્ટ ઓફીસ સુધી લઈ જવામાં મદદ કરતા. સુરતથી તે જ દિવસનું છાપું કેવી રીતે આવતું તમને હજુ નથી સમજાયું. ચાલુ ટ્રેને ટપાલનું સોર્ટીંગ કરતા કર્મચારી, ખાખી થેલા, લાલ ડબ્બો. . . આ બધું બાકીની દુનિયાથી અમને જોડેલા રાખતું, આજ ટપાલના થેલામાં મારી ફિલાટેલી ની ટીકિટો આવતી, ટીવી વગરની દુનિયામાં મજા કરાવતા સામાયિકો આવતા.

સહુથી વધારે ચહલપહલ સવારે સવાપાંચે થાય, દૂરના નગરોમાં કામ કરવાવાળા માટેની ગાડી ૩૮ અપ સવારે આવતી. લાઈટ ન હોય. એમાંય શીયાળાની સર્દ સવાર હોય તો દૂર થી સ્ટેશન થોડે થોડે અંતરે સળગતું હોય એવું લાગે. એ બધા તાપણા હોય. સવારની નિસ્તબ્ધતામાં પાંચેક કી.મી. દૂરથી ટ્રેનની વ્હીસલ સંભળાય. નજીક આવતો અવાજ – તાપણાથી દૂર થવાનું આળસ. પછી પ્રસંગો ઝડપથી બને. બધા પોતપોતાના ડબ્બા શોધી લે.  રાતે આઠ વાગે એજ ટ્રેન ૩૭ ડાઉન સુમસામ લાઈટ વગરના સ્ટેશનને થોડી ક્ષણો માટે વ્યસ્ત કરે. હું પણ ડબ્બા નંબર ૭૩૧૮ માં થી ઉતરું. મોટા ભાગ નાં પેસેંજર બીજી બાજુ ઉતરે કારણ કે ગામ એ બાજુ હતું. હું પણ, અને ટ્રેન ઉપડે એ પહેલા ત્રીસેક ડગલા માપી લેવાના. કુટુંબ સાથે હોય ત્યારે પ્લેટફોર્મ પર ઉતરી ને જતી ટ્રેન જોઇને નીકળવાનું. પછી શરુ થાય લગભગ એક કીમી ચાલવાનું, ખેતરોમાં ના ટુંકા રસ્તા પર પણ પંદર-વીસ મિનિટ થતી. ચાંદનીમાં ગોખાયેલા રસ્તા પર ટોર્ચ ચાલુ કર્યા વગર ચાલવાનું.

અને હા, આ સ્ટેશનની સાંજ. . .એક ટ્રેન નામે ૭૬ અપ(નામદેવ એને ફક્ત ૬ અપ કહેતો) જે કાયમ કલાક-બે કલાક મોડી જ આવતી. કલાકેક મોડી હોય તો સાંજ એ ટ્રેનના નામે કરવાની. ઘરે થી સાયકલ લઈને નીકળવાનું, લાંબા રસ્તા પરથી, નિરાંતે પંહોચી એક ખૂણામાં સાયકલ પાર્ક કરી ને બલદેવ સાથે ગોઠડી માંડવાની. ટેબલ ભરાઇ જાય એટલા મોટા ચોપડામાં એ દિવસભર નો હિસાબ લખે, ચામડાની કેશ બેગમાં પૈસા મુકે, વરસોથી સળગતા કાળા થઈ ગઈ ગયેલા દિવા પર લાખ ધરીને સિલ મારે અને છેક ડબ્બે ગાર્ડને એ કેશબેગ આપવાની. ટ્રેન આવે એટલે છેલ્લે જવા બલદેવભાઈ થોડા વહેલા નીકળે, ટ્રેન આવે તેને વિસ્મય થી જોવાની (તો જ મજા આવે ને!). ઉપડે પછી ગામના છેડે આવેલી નદી તરફ જવાનું. સાવ એકાંત. સહેજ વહેણનો અવાજ. કપડા ધોવાથી ચોખ્ખો થઈ ગયેલો પથ્થર, દૂર દેખાતો સૂર્યાસ્ત, નજીકના કોઝ વે પરથી પસાર થતા એકલ દોકલ વાહનો (એટલે સાયકલ, બળદગાડું એવું બધું). હું અને મારું એકાંત!  સહેજ અંધારુ થાય એટલે પાછો નીકળું. એ જ રસ્તો કહેર સ્ટેશન પાછળ છોડું, મોટું ખાલી ખેતર, એકાદ બે દુકાન, મારી પ્રાથમિક શાળા, બદલાતા ફળીયાં, ઘરે પાછા આવતા ખેડૂતો. . હું ઘરે પાછો ફરું છું.

આ કહેર રેલ્વે સ્ટેશન જે ને શ્વસ્યું હતું તે છેલ્લા દસ-બાર વર્ષથી જોયું નથી! એની પાટલી પર બેસીને પસાર થતી ટ્રેન જોઇ નથી. હવે તો વરાળ એંજીન નથી, એ ચાર્મ નથી. પણ હા, તમે ત્યારે સ્વપ્ન જોતા હતા કે અહિં પણ ઇલેકટ્રીક એંજીન દોડશે તે સાકાર થઈ ગયું છે. તાપ્તી લાઈન જેને મને ચર્ચાપત્ર લખતો કરેલો તે પ્રમાણમાં નિયમિત થઈ ગઈ છે. સાયકલ, ચાલતા કે ગાડામાં ફરતો હું હવે કાર માં ફરું છું. તાપ્તી લાઇન ની ટ્રેન હવે ફાટક બંધ હોય એટલે નડે છે! . . . કહેર . . . . I LOVE YOU.

પ્રેમ એટલે . . . પ્રેમ જ.. . .24×7

સામાન્ય

વસંતોત્સવ – વેલેન્ટાઇન ડે પ્રેમને નાણવાની અને માણવાની તક આપે છે. પ્રેમને સહેજ દૂર રહીને વિવિધ સ્વરુપોમાં વ્યક્ત થતો જોયા કરવાનો. એવું કહેવાય કે કોઇપણ વાત ને સમજવી હોય તો એના વિવિધ આયામો સમજવા પડે, જોવા માટે ત્રિ પરિમાણ ની વાત થતી હોય છે. પ્રેમ ને પણ ત્રિ પરિમાણીય પરિપ્રેક્ષ્યમાં મુકવાની ઇચ્છા થઈ. પ્રેમ ના ત્રણ પરિમાણો મને ગમ્યા-મળ્યા તે. :

આનંદ : પ્રેમથી મળતી હાશ, નિરાંત, રુહાની શાંતિ, છેડા લગ પંહોચવાની લાગણી, જુનુન, વધારે આગળ જઈને શારીરીક ઐક્યના આનંદ સુધી જવાય.

પીડા : પ્રેમ માં સહુથી મુખર થઈ ને સામે આવે તે કદાચ પીડા છે, પ્રેમમાં બીજું કંઇ મળે કે ન મળે પીડા, વેદના, તૂટન, ટીસ, સોઝ. . . આકંઠ મળે. વિરહ ની વેદના, અવગણના – અવહેલના નું આક્રંદ.

ગેર સમજણ : જે અંતે નફરત, દુશ્મની વગેરે નકારત્મક પરિબળો તરફ દોરી જાય છે, વિચિત્ર લાગે એવી વાત છે પણ જેની સાથે પ્રેમ વધારે ત્યાં જ વધારે ગેર સમજણ પણ થાય, કદાચ વધી જતી અપેક્ષા કારણભૂત હશે. પ્રેમમાં અપેક્ષા ન હોય એ બધું ઠીક મારા ભૈ, માણસ તો ખરાજ ને! યોગ્ય સમજણ નો, કેળવણીનો અભાવ. પ્રેમ અંગે ના ખોટા ખયાલો કે માન્યતાઓ માંથી જન્મતી ગેરસમજણ. આ થાક માંથી ઉદભવતી નિરાશા – નિરસતા.

સહેજ નવાઇ લાગે એવું એ ઉપસે છે કે પ્રેમ જેવી સાદી – શાશ્વત લાગણી ના બે પરિમાણો નકારાત્મક ભાસે છે!  પ્રવર્તમાન પરિસ્થિતિ નું પરિણામ હશે? હશે. આ તો વાત થઈ ત્રિ પરિમાણો ની.

બીજી એક વાત પણ કે મંદિર માં આપણે પરિકમ્મા કરીએ છીએ, ગણેશજી ની વાર્તામાં આવે છે કે મા-બાપ ની પ્રદક્ષિણા કરી લીધી એમાં અડસઠ તિરથ આવી ગયા! તો, પ્રેમની પ્રદક્ષિણા કરીએ તો પ્રેમને પામી અને માપી લેવાય!

પ્રેમ નું ત્રિ પરિમાણીય દર્શન અને પ્રદક્ષિણા વસંતોત્સવ અને વેલેન્ટાઇન ડે ને 24 X 7 બનાવી દેશે.